શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવ, શીખ ધર્મના દસમાં ગુરુ ગોવિંદસિંઘ, સિંધી સંત સ્વામી
લીલા શાહ, દેશના રાજકીય આગેવાનો રામ મનોહર લોહિયા, ગુલઝારીલાલ નંદા (પૂર્વ પ્રધાનમંત્રી),
લાલજી ટંડન, આર.કે.ધવન, જાણીતા કલાકાર સમીર ખખ્ખર, અનુપ જલોટા, પત્રકાર નીરુ દેસાઈ,
રતિલાલ જોગી, લેખક મુલ્કરાજ આનંદ, ગુલશન નંદા, ચંદ્રકાન્તાના સર્જક દેવકીનંદન ખત્રી,
જાણીતા કવિ બળવંતરાય ઠાકોર(બ.ક.ઠાકોર), પ્રિયકાંત મણિયાર ચિત્રકાર કનુ દેસાઈ, હિરાલાલ
ખત્રી, કાર્ટૂનીસ્ટ ચકોર, સિને જગતના મહાન કલાકાર પૃથવીરાજ કપૂર, રાજકપૂર, સમ્મીકપુર,
શશીકપૂર, અનિલકપુ, જીતેન્દ્ર, દેવઆનંદ,વિનોદ ખન્ના, રાજેશ ખન્ના, ઓમપુરી, કબીર બેદી,
ગોવિંદા, જાણીતી અભિનેત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર, રવિના ટંડન, ગાયક કલાકાર કુંદનલાલ
સાયગલ, મહેન્દ્ર કપૂર. આપણા દેશના જાણીતા આ નામો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના છે. ભારતભરમાં
પથરાયેલા આ જ્ઞાતિ સામાન્ય રીતે ખત્રી જ્ઞાતિ તરીકે જ ઓળખાય છે. આ બ્રહ્મક્ષત્રિયની
ઓળખ અને ઈતિહાસ રજુ કરતાં પુસ્તકો મોટે ભાગે હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.ગુજરાતીમાં
આ પ્રકારનું સાહિત્ય બહુ અલ્પ પ્રમાણમાં મળે છે. ગુજરાતીમાં ગણ્યાં ગાંઠ્યા જે પુસ્તકો
મળે છે તેમાં ૧૯૨૭માં પ્રસિદ્ધ થયેલ ઇતિહાસકાર ઠાકુર કાશીનાથ ગોવિંદનું ‘બ્રહ્મક્ષત્રિયનો
ઉજ્જવળ ઈતિહાસ’, કરાચીથી હાજી યુસુફ અલ્લારખા પટેલનું પુસ્તક ‘ખત્રી ઈતિહાસ’ના બે ભાગો
અનુક્રમે ૧૯૭૫ તથા ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ છે. અમદાવાદના લેખક અશોક ચંદુલાલ ઠાકોરનું
પુસ્તક ‘બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનો ઈતિહાસ અને રીવાજો’ ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલ છે. તો
તાજેતરમાં કચ્છ માંડવીના જાણીતા સાહિત્યકાર શ્રી નારાયણ શનીશ્ચરાએ ઉપલબ્ધ તમામ સાહિત્યોના
નીચોડ સ્વરૂપ “બ્રહ્મક્ષત્રિય ઈતિહાસ ગાથા” નામનું પુસ્તક આપી એક ઉપયોગી કાર્ય કર્યું
છે, શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય પંચાયત, મુંબઈ દ્વારા પણ ૧૯૭૪ અને ૧૯૯૫માં ‘આપણો પરિચય’
નામક પ્રકાશન દ્વારા જ્ઞાતિનો ઈતિહાસ અને કેટલીય ઉપયોગી સામગ્રી પ્રસિદ્ધ કરી જ્ઞાતિનો
સારો એવો પરિચય કરાવ્યો છે.
અનેક જ્ઞાતિઓનો ઈતિહાસ જેમ દંતકથાઓમાં અટવાયેલો રહે છે તેનાથી આ જ્ઞાતિ પણ પર નથી.
ભારતમાં વર્ણ વ્યવસ્થાની પ્રગતિ આર્યોના આગમન સાથે થઇ હોવાનું જોઈ શકાય છે. એ સમયની
વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત હોઈ પાછળથી અનેક પ્રશ્નોને કારણે બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં
સંઘર્ષો થયા હોવાનું ઇતિહાસે નોધ્યું છે. અને એ ક્ષત્રિયોમાં પણ કાળ ક્રમે અનેક ફાંટા
પડેલા નોધાયા છે. બોદ્ધ ધર્મના વિકાસ પછી બોદ્ધ ધર્મને લાખો લોકોએ અપનાવેલ અને આ કારણે
ક્ષત્રિય સમાજ પણ બે ભાગમાં ફંટાઈ ગયો અને વૈદિક અને બીજો અવૈદિક. ત્યારબાદ ઈ.સ. પૂર્વે
૩૨૦ના સમયમાં ચન્દ્રગુપ્તનું શાસન આવતાં તેનું શાસન સમગ્ર ઉતર ભારતમાં ફેલાઈ ગયું તેણે
પોતાની સતાના જોરે ક્ષત્રિય જાતિને પોતાને વશ કરી લીધી, વર્ણ વ્યવસ્થાને વેર વિખેર
કરી દીધી. આ પછી ચન્દ્રગુપ્તનો પુત્ર સમ્રાટ અશોક સતામાં આવતાં અહિંસની નીતિએ ક્ષત્રિયોના
મહત્વને મૃતપાય કરી દીધું. સને. ૬૦૦ના અરસામાં શકરાચાર્યે ભારત ભ્રમણ કરી વેદોનો પ્રચાર
કર્યો અને ક્ષત્રીય જાતિનું પુનરૂત્થાન કર્યું પરંતુ આ સમયે ક્ષત્રિય સમાજ વધુ એક વિભાગમાં
વહેચાઈ જતાં તેના ત્રણ ભાગ થયા. ૧) વૈદિક, ૨) અવૈદિક અને ૩) ક્ષત્રિ જે આર્યો ન હતા
પરંતુ સેનાના કાર્યમાં સંલગ્ન હતા. પહેલી જાતિના લોકો અને તેના સારસ્વત પુરોહિત પંજાબમાં
આવીને વસ્યા, બીજા બિહાર અને અવધમાં આવીને વસ્યા અને ત્રીજા રાજપૂતાનામાં વસ્યા. તેઓ
પોતાને રામચન્દ્રજીના વંશજ માનતા હતા. વાસ્તવમાં ત્રણે કુળના જ હતા, પરંતુ અલગ અલગ
પ્રકારના. જે ક્ષત્રિ પંજાબમાં જઈને વસ્યા તે વૈદિક અને આર્ય જાતિના હતા એ બધા ખત્રી
તરીકે ઓળખાયા.
ખાત્રીઓનો વાન, કદ અને નાકની સુડોળતા જ તેઓં મૂળ આર્ય કુળના હોવાનું પ્રતિપાદિત કરે
છે. પોતાને સૂર્યવંશી ક્ષત્રિય ગણાવતા બ્રહ્મક્ષત્રિય-ખત્રીઓ ભાટના ચોપડે પણ એજ રીતે
નોધાયેલા છે અને પશ્ચિમના ઈતિહાસકારો પણ એ વાતનું સમર્થન કરે છે. ભવીશ્યોતર પુરાણના
અધ્યાય ૪૦ અને ૪૧ન કથન અનુસાર પરશુરામે ક્ષત્રિયોનો એકવીસવાર સંહાર કરેલ. આખરે તેઓં
પંજાબ ગયા અને સંહાર કરવા લાગ્યા. તેમનો સામનો બરાબર કરવામાં આવ્યો ત્યારે તેમના પર
વિશેષ ક્રોધ સવાર થયો. વૃદ્ધો-બાળકો અને સ્ત્રીઓ બધા હેરાન પરેશાન થઇ ગયા. એક સંધર્માં
નાગનો વૈશ્ય જે ક્ષત્રિયોનો મિત્ર હતો, તેણે ક્ષત્રિયોને આશરો આપ્યો હોવાથી જાણ પરશુરામને
થતાં ફરશી લઈને પહોચી ગયા. એ સમયે સારસ્વત બ્રાહ્મણો જે ક્ષત્રિયોના પુરોહિતો હતા તે
આવી પહોચ્યા અને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે, આ ક્ષત્રિયો જેમને બ્રાહ્મણોએ પોતાના
રક્ષણમાં રાખ્યા છે તે ક્યારેય શસ્ત્ર નહિ ઉપાડે અને વ્યાપાર કરશે, પોતાની ક્ષત્રિય
કક્ષાની પ્રવૃત્તિ મૂકી દેશે. આ વિનવણીથી પરશુરામે ક્ષમા આપી, પણ સાથે આ ક્ષત્રિયો
વ્યાપાર કરશે અને શાસ્ત્રોમાં મહાન પંડિત બને એવી શરત પણ મૂકી. તપ બીજી એક એક આવી જ
દંતકથા મુજબ પરશુરામની પૃથ્વી નક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞાથી દધિચી ઋષિએ પોતાને શરણે
આવેલા ક્ષત્રિય પુત્રોને બ્રાહ્મણ તરીકે ઓળખાવેલા એથી એના વંશજ બ્રહ્મક્ષત્રિય તરીકે
ઓળખાયા. આ દંતકથાઓની સત્યાર્થતા તપાસવી મુશ્કેલ છે. શીખોના દશમાં ગુરુ ગોવિંદસિંઘ પણ
ખત્રી હતા એમના માટે ખત્રિઓં શ્રીરામના સુપુત્રોના વંશજ છે. આમ, ક્ષત્રિયોની જેમ બ્રહ્મક્ષત્રિયોનું
ઉદગમ સ્થાન પંજાબ છે, તેમની કુળ દેવી હિંગલાજ છે, કેટલાય વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્યને
પણ માને છે.
સૌજન્ય : શ્રી જીતેન્દ્રભાઈ અંતાણી